નાગરોના આરાધ્ય દેવ અને કુળદેવતા હાટકેશ્વરનો ઈતિહાસ :
અહાહાહા...કેટલા બધા નાગર (વડનગરા અને પ્રશ્નોરા) મિત્રો ! જુનાગઢી નાગર મિત્રની સાથે જતો હતો અને સામે રાજકોટી નાગર મિત્ર મળ્યા કે તરત જ બન્ને નાગર બંધુઓએ લહેજતદાર અને એકદમ નાગરી મીઠા સ્વરમાં ‘જય હાટકેશ’ બોલી જય એકબીજાનું સન્માન કર્યું ત્યારે મારા માટે એ પળ માણવા જેવી હતી. એક અનેરો ભાત્તૃભાવ બન્નેના ચહેરા ઉપર છલકાતો હતો.
અને આ જય હાટકેશ શબ્દ મને છેક તેના મૂળ વડનગર સુધી લઈ ગયો અને હાટકેશ ભગવાનનો એક આખો શબ્દદેહ મનમાં ઉતરી આવ્યો. નાગરોના કુળદેવતા હાટકેશ્વરનો ઈતિહાસ બહુ રોચક અને ઐતિહાસિક રહસ્યોથી ભરપૂર છે અને તેની શરૂઆત થાય છે વડનગરથી કે જેના પરથી વડનગરા નાગર સદગૃહસ્થ શબ્દ ઉતરી આવ્યો છે.
ગુજરાતમાં ઉતર દિશામાં આવેલ વડનગર એક પ્રાચીન અને ઐતિહાસિક ભૂમિ કે નગરી ગણાય છે. હમણાં જ જિર્ણોધાર થઈ કાયાકલ્પ પામેલું આ નગર ‘મંદિરોની નગરી’ તરીકે પણ ઓળખાય છે. વિખ્યાત ગાયિકાઓ તાના, રિરિની ભૂમિ એવી આ નગરી કલાપ્રેમી એવા નાગરોના કુળદેવતા ભગવાન હાટકેશ્વરના મંદિર માટે પણ જગપ્રસિદ્ધ છે.
ભગવાન હાટકેશ્વર એટલે નટરાજ એટલે કે શંકર ભગવાન. આ મંદિરનું નિર્માણ તેરમી શતાબ્દીમાં થયું હતું. એવું મનાય છે અને અગાઉ પણ આ સ્થળે એક મંદિર તો હતું જ તેનો જીર્ણોધાર કરીને અત્યારે જે મંદિર છે તેનું નિર્માણ થયું છે. અનેક પ્રાચીન ગ્રંથોમાં આવતા સંદર્ભોને આધારે એવું કહી શકાય કે અહીંનું મૂળ મંદિર તો મહાભારત કાળથી પણ પ્રાચીન હતું.
વર્તમાન મંદિરનું નિર્માણ સંપૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિથી થયું છે. પૂર્વાભિમુખ એવા આ મંદિરના નૃત્યમંડપ ઉપર ભવ્ય ઘુમ્મટ છે. જ્યારે મંદિરનું ગર્ભગૃહ નૃત્યમંડપની સપાટી કરતાં નીચું છે. ગર્ભગૃહમાં વિશાળ શિવલિંગ છે અને અને તેની ઉપર ભવ્ય શિખર છે. સમગ્ર મંદિર રતાશ પડતા સેન્ડ સ્ટોન પ્રકારના પથ્થરોથી બનેલું છે તથા તેની ઉપર મનોહારી કોતરકામની શિલ્પકળા દ્વારા રામાયણ, મહાભારત, પુરાણો તથા અન્ય પ્રાચીન ગ્રંથોની કથાઓ કલાત્મક રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. એક પણ પથ્થર કોતરણી વિનાનો નથી. આ કલાત્મક કોતરકામને કારણે પણ હાટકેશ્વર ભગવાનનું મંદિર પ્રસિદ્ધ છે. મંદિરમાં ભગવાનની ત્રિકાળ આરતી અને પૂજાઅર્ચના થાય છે.
નાગર પ્રજા ભગવાન શંકરને આરાધ્ય દેવ ગણે છે. તે અંગેની ઘણી કથાઓ પ્રચલિત છે. ભગવાન શંકર નગાધિરાજ હિમાલયમાં આવેલા કૈલાસમાં નિવાસ કરે છે. નગ એટલે પર્વત. નગ ઉપરથી નગર શબ્દ બન્યો. જેનો અર્થ થાય છે પર્વતમાં નિવાસ કરનાર. આપણા પુરાણોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શિવના પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી સાથેનાં લગ્નની ઘટના સાથે પણ નાગર પ્રજા સંકળયેલી હતી. સ્કંદ પુરાણમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શિવ અને પાર્વતીનાં લગ્ન નાગર બ્રાહ્મણે કરાવી આપ્યાં હતાં. તેથી પ્રસન્ન થઈ શંકર ભગવાને હાટકેશ્વર ક્ષેત્રની ભૂમિ નાગરોને વસવાટ કરવા માટે આપી હતી.
એક ઐતિહાસિક કથા મુજબ હાટકેશ્વર વિસ્તારમાં રહેતો કૃત નામનો એક બ્રાહ્મણ યુવક પરિભ્રમણ કરતા કરતા નાગભૂમિમાં પહોંચ્યો. ત્યાં તેને નાગપ્રજાના રાજકુમાર ર્રૂદ્રામલ સાથે કોઈ કારણવશાત્ સંઘર્ષ થયો. આ સંઘર્ષમાં રાજકુમાર રૃદામલનું મૃત્યુ થયું. પુત્રના મૃત્યુથી ક્રોધિત થયેલા નાગરાજાએ એ બ્રાહ્મણની સમગ્ર જાતિનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. હજારો વિષધર નાગો કૃતના નગર હાટકેશ્વર ક્ષેત્ર ઉપર ઉમટી પડયા અને જીવલેણ ડંખ મારીને બ્રાહ્મણોને મૃત્યુશૈયા પર પાથરી દીધા.
અસંખ્ય નાગના આક્રમણથી ગભરાયેલા બ્રાહ્મણો નગર છોડીને ભાગ્યા અને ત્રિજટ નામના એક સાધુના શરણે ગયા. સંત ત્રિજટે આ બ્રાહ્મણોને નાગના વિષથી બચવા ભગવાન શંકરના શરણે જવા કહ્યું, તેથી બ્રાહ્મણોએ શંકર ભગવાનની આરાધના કરી. વર્ષોની આરાધનાથી પ્રસન્ન થયેલા શંકર ભગવાને બ્રાહ્મણોને નાગરના ગરલ એટલે કે વિષની કોઈ અસર થશે નહીં તેવું વરદાન આપ્યું.
આમ ન-ગરલ શબ્દ ઉપરથી નાગર શબ્દ પ્રચલિત બન્યો. આજે પણ બ્રાહ્મણોમાં નાગરો શ્રેષ્ઠ ગણાય છે, કેમ કે તેઓ ના-ગર એટલે કે વિષ-દ્વેશભાવ વિનાના હોય છે. ભગવાન શંકરનું વરદાન મેળવ્યા પછી બધા બ્રાહ્મણો તેમની નગરીમાં પરત ફર્યા ત્યારે તે બધા જ વૃધ્ધ થઈ ગયા હતા તેથી તે નગર વૃધ્ધનગર એવા નામથી જાણીતું બન્યું. વૃધ્ધનગર શબ્દનો અપભ્રંશ એટલે આજનું વડનગર. આમ બધી જ કથાઓ નાગર પ્રજાને ભગવાન શિવ સાથે સાંકળે છે. તેથી નાગર પ્રજા માટે ભગવાન શિવ આરાધ્ય કુળદેવતા છે.
સન ૩૪૮માં વડનગરમાં નાગરોનું રાજ્ય હતું. તેથી જ નાગર બ્રાહ્મણોમાં લગ્ન પ્રસંગોએ બોલાતા ઉત્પામણીમાં સંવત ૪૦૪નો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. સંવત ૪૦૪ના સમયે સન ૩૪૮નું વર્ષ ચાલતું હતું.
એક ઐતિહાસિક વાયકા મુજબ ચિત્તોડગઢના મહારાજા બપ્પા રાવલ પણ મૂળતઃ આનંદપુરના નાગર બ્રાહ્મણ હતા. અને આનર્ત પ્રદેશ(અત્યારનું ઉત્તર ગુજરાત) ના રાજા ચમત્કારને એક શાપથી થયેલા કોઢને એક નાગર બ્રાહ્મણે ઔષધોપચાર કરીને મટાડયો હતો. આથી પ્રસન્ન થયેલા રાજાએ તે બ્રાહ્મણને ભારે ધનસંપત્તિ આપવાની ઘોષણા કરી. પરંતુ તે બ્રાહ્મણે તેના ઔષધોપચાર માટે ફૂટી કોડી લેવાની પણ ના પાડી. આથી આ સમગ્ર બ્રાહ્મણ પ્રજા પ્રત્યે કૃતજ્ઞાતા દર્શાવવા રાજા ચમત્કારે બ્રાહ્મણોના કુળદેવતા ભગવાન હાટકેશ્વરનું મંદિર બંધાવ્યું.
વડનગરના તોરણ દરવાજાના સ્તંભ ઉપરના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતના રાજા કુમારપાલના અમાત્ય વલ્લ એક નાગર હતા અને તેમણે વડનગરના કિલ્લાનું તથા એક શિવમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. વડનગર ઉપર સતત થતા વિદેશી આક્રમણકારીઓથી ત્રસ્ત નાગર લોકોએ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં આશ્રય લીધો હતો, પરંતુ તેઓ જ્યાં પણ વસ્યા, ત્યાં તેમણે પોતાની આગવી પંરપરાઓ યથાવત્ રાખી.
નાગરોએ શિવભક્તિ માત્ર વડનગરના હાટકેશ્વર મંદિર સુધી જ સીમિત ન રાખતાં, જ્યાં જ્યાં તેઓ સ્થાયી થયા ત્યાં ત્યાં દેશ વિદેશમાં પણ શૈવમતનો પ્રસાર કર્યો તે પ્રકારના ઉલ્લેખો અનેક જગ્યાએ મળી આવે છે.